ભારત રત્ન
From Wikipedia, the free encyclopedia
ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.
ભારત રત્ન | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
પ્રકાર | નાગરિક | |
શ્રેણી | રાષ્ટ્રીય | |
શરૂઆત | ૧૯૫૪ | |
પ્રથમ પુરસ્કાર | ૧૯૫૪ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૧૯ | |
કુલ પુરસ્કાર | ૪૮ | |
પુરસ્કાર આપનાર | ભારત સરકાર | |
વર્ણન | પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં ભારત રત્ન (भारत रत्न) લખેલું હોય છે. | |
ફીત | ||
પ્રથમ વિજેતા | ||
અંતિમ વિજેતા |
|
ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું હતું. આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઇ.સ. ૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું. જાણીતા ક્રિકેટના ખેલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં.[1] તો જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે ૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.[2] સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું. આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.
અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ પદ્મશ્રીનું નામ જાણીતું છે.