કાશ્મીરી ભાષા
From Wikipedia, the free encyclopedia
કાશ્મીરી ભાષા (કશુર : کٲشُر, कॉशुर) એ ભારતીય-યુરોપીય ભાષાસમૂહના જૂથમાંની એક ભાષા છે. આ મુખ્યત્વે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીરના કાશ્મીર ખીણ તરીકે ઓળખાતા પ્રદેશમાં બોલાતી ભાષા છે. ભારત દેશમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ આ ભાષા બોલતા લોકોની સંખ્યા અંદાજે ૬૭,૯૭,૫૮૭ છે.[1] આ ભાષા બોલતા અંદાજે ૩,૫૦,૦૦૦ લોકો પાકિસ્તાન દેશમાં પણ છે, જેમાંનાં મોટાભાગનાં કાશ્મીર ખીણનાં હિજરતીઓ છે અને તેમાંના થોડા લોકો નિલમ જિલ્લાનાં સરહદી વિસ્તારોમાં વસે છે.
આ ભાષા ઇન્ડો-યુરોપિયન ભાષા સમુહનાં પેટા સમુહ તરીકે ઓળખાતા 'દર્ડિક' સમુહની ભાષા છે. જે ભારત દેશની ૨૨ અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે.[2] કાશ્મીરી ઉર્દૂ ભાષા સાથે, જમ્મુ અને કાશ્મીરની અધિકૃત ભાષા પણ છે. ઘણાં કાશ્મીરી ભાષીઓ ઉર્દૂ અથવા અંગ્રેજીને દ્વિતિય ભાષા તરીકે વાપરે છે.[3] આ ભાષામાં ફારસી ભાષાનાં ઘણાં શબ્દોનો ઉપયોગ થાય છે. થોડા દાયકાઓ પહેલાં કાશ્મીરી ભાષાને રાજ્યનાં વિશ્વવિધાલયોમાં એક વિષય તરીકે ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, અત્યારે જમ્મુ અને કાશ્મીરની તમામ શાળાઓમાં આ ભાષાનો અભ્યાસ ફરજીયાત કરાયેલ છે.[4]